Saturday, March 5, 2022

ન હોય કંઈ (ગઝલ)


સો મરજ, એકજ દવા ન હોય કંઈ, 

એક ગીતા સર્વથા ન હોય કંઈ. 


જાતનું મંથન કરી જે સાંપડે, 

એ બધાની સંપદા ન હોય કંઈ. 


જો એ ધારે ને ઉગારી ના શકે, 

કોઈ એવી આપદા ન હોય કંઈ. 


હોય નિષ્ફળતાના લાખો કારણો, 

કમનસીબી સર્વદા ન હોય કંઈ.


એક દીવો હાથવેંતે રાખજો, 

ચાંદની રાતો સદા ન હોય કંઈ.


બહાર કાઢ્યા બાદ પાછા પણ ફરે, 

શ્વાસ માટે કાયદા ન હોય કંઈ.


જિંદગીને મોજથી માણો 'રસિક', 

જિંદગીમાં અન્યથા ન હોય કંઈ. 


~ દેવાંગ પરીખ 'રસિક' 



4 comments:

  1. મન ની વ્યથા અને લાગણીઓ ની કથા....
    સમજવી અઘરી... જાણે ન હોય કઈ

    ReplyDelete
  2. સુંદર ગઝલ....અપ્રતિમ રચના....

    ReplyDelete