Saturday, February 12, 2022

સાંજ પડી છે (ગઝલ)


એક લાંબી બહેર ની ગઝલ.... 


પડછાયા છે લાંબા લાંબા, તપતો સૂરજ 
     આથમવાની વેળા થઈ છે, સાંજ પડી છે, 

આંખો નીચે આછા આછા અંધારાને 
     પાથરવાની વેળા થઈ છે, સાંજ પડી છે. 


ધીરે ધીરે ખર્ચાતા આ શ્ર્વાસો મારા 
     ખૂટી જાશે, છૂટી જાશે, જાણું છું હું, 

ક્ષણભંગુર આ શેષ રહ્યું જે જીવન એને 
     સંકેલવાની વેળા થઈ છે, સાંજ પડી છે. 
 

ધગધગતી આંખો બોલાવે આવ હવે તું, 
     આવ હવે તું, શ્રાવણ થઈને વરસી જા ને, 

ભડ ભડ બળતા અંતર મનને ઠાર હવે તો 
     ભીંજાવાની વેળા થઈ છે, સાંજ પડી છે. 
 

મૂક્યા લે મેં આજે સઘળા આભૂષણ, આ 
     રાચરચીલું, હાથ પકડ તું, લઈ જા સાથે, 

વરસોથી ઝળહળ થાતો આતમનો દીવો 
     ઓલવવાની વેળા થઈ છે, સાંજ પડી છે. 


ધડ ધડ વહેતા આંસુ મારા રોક હવે તો, 
     રોક હવે તો ઘક ઘક થાતા વ્યાકુળ મનને, 

આવ હવે તો કાન કે મારા મનના દ્વારે 
     અવતરવાની વેળા થઈ છે, સાંજ પડી છે. 


~ દેવાંગ પરીખ 'રસિક' 

2 comments: