Saturday, June 25, 2022

રાજ્જા


કોણે દીઠી કાલ છે, રાજ્જા? 

જીવન બસ અંતરાલ છે, રાજ્જા. 


જનતા તો કંગાલ છે, રાજ્જા, 

રાજા માલામાલ છે, રાજ્જા. 


રસ્તા સીધા, ચાલ છે ટેઢી, 

ને સઘળું ગોલમાલ છે, રાજ્જા.


એ ચાહે તો દુગ્ગી રાજા, 

કિસ્મત માયાજાલ છે, રાજ્જા.


શ્વાસોની આ આવન-જાવન, 

ફોગટની જંજાલ છે, રાજ્જા.


અંધારાને કોસે છે શું? 

ભીતર એક મશાલ છે, રાજ્જા.


મનમાં કાશી, મનમાં કાબા, 

મનમાં તીનો કાલ છે, રાજ્જા.


મનને જીતો, મન માને તો - 

સહરા નૈનિતાલ છે, રાજ્જા. 


આંખો આંજી છે દર્પણમાં? 

અંદર બસ કંકાલ છે, રાજ્જા. 


શ્રીજીને મંદિરમાં શોધે? 

ઘટમાં શું હડતાલ છે, રાજ્જા!?


કાગળ મંદિર, ગઝલો ઈશ્વર, 

ને કલમ કરતાલ છે, રાજ્જા.


~ દેવાંગ પરીખ 'રસિક'


No comments:

Post a Comment