Saturday, October 21, 2023

સૉલિટ્યુડમાં (ગઝલ)

મને નાનપણથી એકાંત પ્રિય છે. મારા માટે એક વાક્ય અવારનવાર બોલાતું : 'એ ઘરમાં હોય તો પણ ખબર ના પડે.' વેકેશનમાં તો ઘણીવાર આઠ-દસ દિવસ સળંગ હું ઘરની બહાર પગ પણ ન મૂકતો. Books, tape recorder અને cassettes ના સમુદ્રની વચ્ચે હું એક ટાપુ માફક પડ્યો રહેતો. આપણે તો આપણામાં મસ્ત! 

સ્કૂલમાં હતો ત્યારે અમને સુપ્રસિદ્ધ અમેરિકન કવિયત્રી Ella Wheeler Wilcox ની એક કવિતા ભણવામાં આવતી : SOLITUDE (એટલે, એકાંત), જેની પહેલી બે પંક્તિઓ ખાસ કરીને ખૂબ પ્રચલિત છે - 
Laugh, and the world laughs with you;
Weep, and you weep alone. 

મને ત્યારથી આ SOLITUDE શબ્દનું આકર્ષણ રહ્યું છે. પણ ક્યારે સપનામાં પણ વિચાર્યું નહોતું કે ભવિષ્યમાં 'સૉલિટ્યુડ' ને રદીફ બનાવી મારાથી એક ગઝલ પણ લખાઈ જશે.... 
 

છે સતત આરામ, સૉલિટ્યુડમાં, 

મનગમતો મુકામ, સૉલિટ્યુડમાં. 

 
કૃષ્ણ છે, છે રામ, સૉલિટ્યુડમાં, 

મારા ચારે ધામ, સૉલિટ્યુડમાં. 
 

રહેવું સુબહોશામ, સૉલિટ્યુડમાં,

મયકદા ને જામ, સૉલિટ્યુડમાં. 
 

હોય ના કંઈ કામ, સૉલિટ્યુડમાં,

ભીતરે કોહરામ, સૉલિટ્યુડમાં. 
 

મન ભમે બેફામ, સૉલિટ્યુડમાં, 

શાયરી લગામ, સૉલિટ્યુડમાં. 


ઈશ્વરી પૈગામ, સૉલિટ્યુડમાં, 

સબ પીડાનું બામ, સૉલિટ્યુડમાં. 


છે સમસ્ત કલામ, સૉલિટ્યુડમાં, 

આખરી વિશ્રામ, સૉલિટ્યુડમાં.


~ દેવાંગ પરીખ 'રસિક'


No comments:

Post a Comment