Saturday, September 16, 2023

ખતરામાં (ગઝલ)....


સનાતનને નથી ખતરો, નથી ઈસ્લામ ખતરામાં, 

જરા આ ખેલને સમજો, છે સંવિધાન ખતરામાં.
 

નજીવી વાત પર લોકો અહીં શસ્ત્રો ઉપાડે છે,

ભસે જો કોઈ દિલ્લીમાં, કે છે શ્રીરામ ખતરામાં. 


ઘણાનું વૉટ્સૅપ ઉપર છે એકજ કામ પરમેનન્ટ - 

'જરા ચેતો! જરા ચેતો! છે હિન્દુસ્તાન ખતરામાં!'


કહો છો સંત ખુદને, ને લડો છો ગેંગસ્ટર માફક? 

તમારા કારણે છે સંતતાની આન ખતરામાં.
 

કર્યો છે તેં નશો સસ્તો, અરે, ઓ મૂર્ખ, અજ્ઞાની! 

તને સાચે જ લાગે છે, કે છે ભગવાન ખતરામાં!?


ધરમના નામ પર ધંધો, ને તુચ્છી વાત પર ફતવો, 

આ કુંઠિત માનસિકતાથી તો છે ઈન્સાન ખતરામાં.


બને જ્યાં 'ઈન્ટલેક્ટુઅલ' શબદ પણ ગાળનો પર્યાય,

રહે ત્યાં જ્ઞાન, ને વિજ્ઞાન, હર વિદ્વાન ખતરામાં.


~ દેવાંગ પરીખ 'રસિક'


No comments:

Post a Comment