Sunday, July 23, 2023

ઘરે રહેવું છે મારે, બસ!


વરસાદી આળસની એક ગઝલ .... 


છે આજે આભ ઘેરાયું, ઘરે રહેવું છે મારે, બસ! 

ખીલ્યું છે આજ ચોમાસું, ઘરે રહેવું છે મારે, બસ! 


નથી કંઈ આપવું બહાનું, ઘરે રહેવું છે મારે, બસ! 

ક્યાં રોજે થાય છે આવું, ઘરે રહેવું છે મારે, બસ!


પડ્યો રહેવા દો થોડી વાર, કે કહેતા નહીં કોઈ, 

મને આળસ મરડવાનું, ઘરે રહેવું છે મારે, બસ! 


કહી દઉં બૉસ ને આજે, નથી બીમાર હું કિંતુ, 

નહીં હું કામ પર આવું, ઘરે રહેવું છે મારે, બસ! 


મને બારીમાં બેસીને, વરસતો મેઘ જોવો છે, 

મળે ક્યાં આવું નજરાણું, ઘરે રહેવું છે મારે, બસ! 


મને મદમસ્ત મોસમને, છે આજે માણવી દિલથી, 

કરે છે મન પલળવાનું, ઘરે રહેવું છે મારે, બસ! 


મને દો એક પ્યાલી ચા, અને કાગળ, કલમ, ખડિયો,

ગઝલ સુંદર લખી કાઢું, ઘરે રહેવું છે મારે, બસ! 


જો હું એળે જવા દઉં ને, જો ન તન-મનથી ભીંજાઉં, 

તો એને લાગશે માઠું, ઘરે રહેવું છે મારે, બસ!


મને દેખાય છે ખાબોચિયાંમાં એક તરતી નાવ, 

જો, આવ્યું આંખમાં આંસુ, ઘરે રહેવું છે મારે, બસ! 


કોઈ વાદળ ભૂલું ભટક્યું મળે રસ્તે, તો પાઠવજો, 

હું મારું આપું સરનામું, ઘરે રહેવું છે મારે, બસ! 


~ દેવાંગ પરીખ 'રસિક' 


 

Saturday, July 15, 2023

છ આંધળા (ગઝલ)....


જિંદગી - જેમ આંધળા છ, એક હાથી,

સૌને 'દેખાતું' જુદું કંઈ એકબીજાથી.


કોઈએ છે સૂંઢ ઝાલી, કોઈએ પગ, 

કોઈ કંઈ નિષ્કર્ષ કાઢે પુચ્છમાંથી.


સુખ અને દુખ કેશ જેવા ક્યાં સહજ કે, 

ફેરવું એક કાંસકી ને પાડું પાથી!


છે સમય ને શ્વાસનું તો રોજનું આ, 

આંખ ખુલતા વેંત કરતા બાથંબાથી.


થાય છે સૂરજને હું ધધડાવી નાખું - 

'કો'ક દિ' તો ઊગ તું બીજી દિશાથી!' 


આયનાની પાર જઈ જોવું છે મારે, 

કોણ છું હું, કોણ છે દેખાય ત્યાંથી? 


હું બન્યો પપ્પા ખરેખર એ જગાથી, 

સાથ પપ્પાનો ને મારો છૂટ્યો જ્યાંથી.


જ્યાં લગી છે આંખ ખુલ્લી, છે બધુંયે, 

કોણ છે સંગી પછી ને કોણ સાથી?


આ સફાચટ ટાલ, ને છે પીઠ વાંકી, 

બાળપણ તમને 'રસિક' ઓળખશે ક્યાંથી?


~ દેવાંગ પરીખ 'રસિક'


Saturday, July 1, 2023

રામ કહાની (ગઝલ)....


ગઝલના મક્તા વિશે એક વાત કરવી છે ~

મારી નાની ને અમે 'બેન' કહેતા. 

હું પરામાં રહેતો ને બેનનું ઘર હતું સાઉથ બોમ્બેમાં. સંયોગવશ, મારી કોલેજ એના ઘરથી નજીક હતી. તો હું અવારનવાર એવું કરતો, કે શુક્રવારે કોલેજથી સીધો એને ત્યાં પહોંચી જતો, વીક-એન્ડ એને ત્યાં ગાળી અને સોમવારે ત્યાંથી જ કોલેજ જતો રહેતો.

મને વાંચવાનો શોખ, તો હું હંમેશા એકાદ નૉવેલ સાથે લઈ જતો, ને આખો દિવસ પડ્યો પડ્યો વાંચતો રહેતો. 

સાંજ પડે એટલે મને આવી શિથિલ અવસ્થામાં જોઈને બેન ખિજાતી : 
'આમ આખો દિવસ પડ્યો પાથર્યો રહે છે, તને કંટાળો નથી આવતો? જા, જઈને ચોપાટી આંટો મારી આવ.' ચાલીને જાવ તો ચોપાટી એના ઘરથી ૨૦ મિનિટના અંતરે. 

અને એની એક વાત, જે યાદ કરું તો આજે પણ મારી આંખમાં પાણી આવી જાય છે - 

એ કહેતી :
'ઘરમાં ક્યારેય નહીં ભરાઈ રહેવાનું. હરવાનું, ફરવાનું, ભોમિયા બનવાનું. આપણે ફરીએ, નવી નવી જગ્યાઓ જોઈએ, નવા નવા લોકોને મળીએ, તો ઘણું બધું જાણવા-શીખવા મળે.'

[ નોંધ : ગૂગલ નહોતું એ જમાનામાં 😔 ] 


શ્વાસોની છે ખેંચા-તાની,

સૌની સરખી રામ કહાની.


આજે આવ્યા, કાલે જાશું,

દુનિયા એક સરા-એ-ફાની. 


કોણે, કોની, ક્યારે માની? 

સૌએ કરવી છે મનમાની.


જાતની સાથે ના ફાવે તો,

દુનિયામાં સઘળું બે-માની.


શીશાનું ઘર મારું-તારું,

પત્થર મત ફેંકો તુમ, જાની. 


તું જે પીરસે, એ ભાવે તો, 

છે આખ્ખું જીવન મિજબાની. 


ઘૂમે દુનિયા, થાય એ જ્ઞાની, 

બચપણમાં કહેતી'તી નાની.


~ દેવાંગ પરીખ 'રસિક'