Saturday, June 17, 2023

એક મિસરો....


સામાન્યપણે, ગઝલના એક શે'રમાં 
બે પંક્તિઓ હોય છે. 
હર પંક્તિ ને 'મિસરા' કહેવાય છે. 
એટલે કે બે મિસરાને જોડીને એક શે'ર બને છે. 


એક મિસરો, કહીને જીવન જીવશું, 

એક મિસરો, કહીને આંખો મીંચશું. 


એક મિસરો, મેં લખ્યો કાગળ ઉપર, 

એક મિસરો, થરથરે છે લબ ઉપર.  


એક મિસરો, મેં ભરેલા જામ પર, 

એક મિસરો, તેં દીધેલી હામ પર. 


એક મિસરો, બે ઘડીની ચાહ પર, 

એક મિસરો, જિંદગીની રાહ પર.


એક મિસરો, બે મળેલી આંખ પર, 

એક મિસરો, બે તૂટેલી પાંખ પર. 
 

એક મિસરો, દોસ્ત તારા નામ પર, 

એક મિસરો, આ નશીલી સાંજ પર.


એક મિસરો, કહેશે મીરાની કથા, 

એક મિસરો, કહેશે રાધાની વ્યથા. 


એક મિસરો, તેં કરેલા વાયદા, 

એક મિસરો, કાશ, અથવા, અન્યથા. 


એક મિસરો, સ્મિત બાળકનું હો જેમ, 

એક મિસરો, પીડ વિધવાની હો જેમ. 


એક મિસરો, તપતા રણની રેત પર, 

એક મિસરો, વર્ષાના સંકેત પર. 


એક મિસરો, સોળ-સત્તરની ઉંમર, 

એક મિસરો, વાટ જોતી એક કબર.


એક મિસરો, સુખ અને દુખથી પરે, 

એક મિસરો, જે ક્ષણે તું અવતરે.

~ દેવાંગ પરીખ 'રસિક' 

No comments:

Post a Comment