Saturday, January 14, 2023

બુદ્ધ થાય (ગઝલ)


હુંય માનું છું કે હર માણસ તો ક્યાંથી બુદ્ધ થાય,

આખો, અડધો, પા ય નહિ, થોડો ઘણો તો શુદ્ધ થાય!?


સાઠ-પાંસઠની વયે, દુનિયા ભલે ને થાય પણ,

કોઈએ દેખ્યું-સુણ્યું ક્યારે કે મા નિવૃત્ત થાય!?


માર, પીડા, માંદગી ને મોત છે મંજૂર પણ,

જોજે, કોઈ બેબસીની હદ સુધી ન વૃદ્ધ થાય.


માનવી અપડેટ કરતાં કાળજી એ રાખજે,

કે કરુણા માનવીમાંથી કદી ન લુપ્ત થાય.


હાથ જોડું છું પ્રભુ, હું એટલું બસ માંગવા,

જેટલું, જ્યારે મળે, મન મારું એમાં તૃપ્ત થાય.


~ દેવાંગ પરીખ 'રસિક'