Saturday, July 16, 2022

હોત તો (ગઝલ)


શ્વાસ લેવાની જ બાબત હોત તો, 

જીવવું ન કોઈ આફત હોત તો.


     ના, ઉદાસીનું કોઈ કારણ નથી, 

     હું છુપાવત, કોઈ કારણ હોત તો?


બે ઘડી પણ તેં વિચાર્યું હોત તો, 

છે જે મારી, તારી હાલત હોત તો.


     આયનામાં ભીડ જેવું લાગતે, 

     જો બધા મારી જ માફક હોત તો.


આપણી વચ્ચેના આ ધુમ્મસમાં પણ, 

લેત શોધી કોઈ મારગ હોત તો. 
  

     લેત વાંચી હું ઘણું સહેલાઈથી, 

     આંખ તારી કોઈ કાગળ હોત તો. 


મન હું સોનાના બનાવી નાખતે, 

મારી પાસે એક પારસ હોત તો. 


     તો સવારે કોઈને દેખાત નહિ, 

     આંસુઓ સૌના જો ઝાકળ હોત તો. 


હોત ક્યાં અસ્તિત્વ તારું પણ અહીં, 

જિંદગી ન એક ફારસ હોત તો.


~ દેવાંગ પરીખ 'રસિક'