Saturday, May 21, 2022

તો માનું તમને (ગઝલ)


જ્યોત માફક ઝળહળો, તો માનું તમને, 

થઈને ઝરણું ખળખળો, તો માનું તમને. 


દુઃખને મનમાં દબાવી સુમધુર એક, 

ગીત કોઈ ગણગણો, તો માનું તમને.


આશરો કમજોરનો ન થઈ શક્યાનો, 

હોય દિલમાં વસવસો, તો માનું તમને. 


હો હળાહળ જીવતરમાં તે છતાંય, 

બોલ મીઠા ઉચ્ચરો, તો માનું તમને. 


દોસ્ત-દુશ્મન બેઉના માનસ ઉપર હો, 

એકસરખો દબદબો, તો માનું તમને.


ખુશ રહો જે હાલમાં રાખે એ તમને, 

ને કદી ના કરગરો, તો માનું તમને.


~ દેવાંગ પરીખ 'રસિક'