Saturday, January 22, 2022

રસ્તો મળે


સાફ નીયત હોય તો રસ્તો મળે, 

ને એ સહમત હોય તો રસ્તો મળે.


હોય પગમાં જોર તો રસ્તો મળે, 

હોય મનમાં જોમ તો રસ્તો મળે.


ના મળે એમજ અનાયાસે કદી, 

લક્ષ્ય નક્કી હોય તો રસ્તો મળે.


છો રહ્યો અંધાર ચારે કોર પણ, 

જ્યોત અંદર હોય તો રસ્તો મળે. 


આભના નકશા કશે મળતા નથી, 

મેપ દિલના ખોલ તો રસ્તો મળે. 


પહોંચવું છે ક્યાં, ખબર ના હોય તો, 

હોય રસ્તો, તોય ના રસ્તો મળે. 


પહોંચવું છે ક્યાં, ખબર એ હોય તો, 

હોય ના રસ્તો, છતા રસ્તો મળે.


~ દેવાંગ પરીખ 'રસિક'


Saturday, January 8, 2022

પછી (ગઝલ)


ના તરત સમજાઈ અહીં આવ્યા પછી, 

જિંદગી સમજાઈ છે ગાળ્યા પછી. 


જીતમાંથી કંઈજ હું શીખ્યો નહીં, 

ને ઘણું શીખ્યો બધું હાર્યા પછી. 


છે ઘણી વેળા મેં કોસી જાતને, 

ચાર કડવા વેણ ઉચ્ચાર્યા પછી.


ફાવતા લાગી છે પોણી જિંદગી, 

માણવા દે પા હવે, ફાવ્યા પછી!


ક્યાં અમે કીધું'તું બાળો જાતને? 

બાળકો પૂછે છે, મેં બાળ્યા પછી. 


ના, નથી કંઈ જોઈતું એવી રીતે, 

આપવાનો હોય જો માગ્યા પછી. 


મા મને સમજાઈ જન્મ્યો ત્યારથી, 

બાપ, ફોટો ફ્રેમમાં લાગ્યા પછી!


~ દેવાંગ પરીખ' રસિક '