Saturday, December 18, 2021

લાગે છે મને (ગઝલ)


હાથ જોડું એ ઘડીથી રોંગ લાગે છે મને, 

પ્રાર્થના, આ કાકલૂદી, ઢોંગ લાગે છે મને. 


જેટલો ખુદ પર ભરોસો હોય એનો પા ગણો, 

હું જો એના પર કરું બહુ સ્ટ્રોંગ લાગે છે મને.


બહાર કોલાહલ છતા રાખું જો ધરપત ભીતરે, 

હાડમારી પણ સૂરીલું સોંગ લાગે છે મને. 


છે ફિઝિક્સનો આજ સમજાયો મને સિદ્ધાંત એ, 

તું નથી તો જિંદગી કાં લોંગ લાગે છે મને.


ક્રૂર ને મગરૂર જાણે કોઈ તાનાશાહ હો, 

જિંદગી ક્યારેક તો કિમ જોંગ લાગે છે મને.


~ દેવાંગ પરીખ 'રસિક'



Saturday, December 11, 2021

અભાગિયા


ના કહું અભાગિયા તો શું કહું હું એમને? 

ના કશે મંદિર વિના દેખાય ઈશ્વર જેમને. 


જો નદી થઈને વહો, તો જઈ સમુદ્રમાં ભળો, 

એક ઠેકાણે રહે, બનવું સરોવર જેમને. 


કેટલાં એવાય છે, દુર્ભાગ્યવશ વંચિત રહે, 

ને ભણે નહિ કેટલાં, છે પ્રાપ્ત અવસર જેમને.


ના લખે પોતે ને બીજાનુંય ભૂસી દે સદા, 

ચૉક તો બનવું નથી, બનવું છે ડસ્ટર જેમને.


ના કદીયે છાંયડો પોતાને કાજે રાખતાં, 

છે તપે બસ તાપમાં થાવું તરુવર જેમને.


લાગણીઓ ક્યાં કદી સ્પર્શી શકે છે એમને, 

પહેરવું છે જાત ફરતે એક બખ્તર જેમને.


~ દેવાંગ પરીખ 'રસિક'

Saturday, November 27, 2021

જેવું (ગઝલ)


આવ કરીએ આજ કોઈ કામ એવું, 

કે ક્ષણિક વર્તાય ભીતર રામ જેવું.


હોય ફુરસદ તો બધું લાગે છે નીરસ, 

કામમાં લાગે મને આરામ જેવું. 


શ્વાસને જીવન કદી માફક ન આવ્યું, 

રોજ ચાલ્યું આપસી સંગ્રામ જેવું. 


દુઃખ આપે છે મને એ એમ જાણે, 

આપતો ના હોય કંઈ ઈનામ જેવું. 


છે નિખાલસ, છે સરસ, અત્યંત સાદું, 

છે કશું મારામાં મારા ગામ જેવું. 


મેં ડરાવી જાતને બસ એમ કહીને, 

છે કહાણીમાં કશું અંજામ જેવું.


કાં રઝળવું છે 'રસિક'ને મંદિરોમાં, 

મા ના ચરણોમાં છે ચારે ધામ જેવું.


~ દેવાંગ પરીખ 'રસિક'


Saturday, November 20, 2021

જાય છે


છે ઘણું એવું જે રોજે રોજ સડતું જાય છે, 

ઝાડ પરથી પાંદડું એક રોજ ખરતું જાય છે. 


આપણી વચ્ચે બધુ જો ઠીક હો તો કહો મને, 

આપણી વચ્ચે કાં અંતર રોજ વધતું જાય છે? 


જેમ જોતો જાઉં છું હું માણસાઈનું હનન, 

એમ મારી ભીતરે કંઈ રોજ મરતું જાય છે. 


શૂન્યતા છે? કે ઉદાસી? કે પછી તારું સ્મરણ? 

કોણ આવીને મને આ રોજ મળતું જાય છે?


એજ કૃત્યો, એજ દ્રશ્યો, એજ છે ઘટમાળ બસ, 

એજ, એનું એજ, રોજે રોજ ઘટતું જાય છે.


~ દેવાંગ પરીખ 'રસિક'


Saturday, October 30, 2021

સમજી શકે છે


હાલ મારો એટલા સમજી શકે છે, 

મૌન મારું જેટલા સમજી શકે છે.


જાણતા હોતા નથી જેઓ સ્વયંને, 

એ કહે છે કે મને સમજી શકે છે.


આંખ સાથે છે ગયા જન્મોનું લેણું, 

દુઃખ મારું વાદળી સમજી શકે છે. 


તું અડે તો થાય છે એક ઝણઝણાટી, 

સ્પર્શ તારો ચામડી સમજી શકે છે.


મંદિરોમાં ભીડ ઉમટે રોજ જોવા, 

એક પત્થર જે બધું સમજી શકે છે.


~ દેવાંગ પરીખ 'રસિક'


Saturday, October 16, 2021

સંભાળવાનું


રોજ બગડે, રોજ મચડે રાખવાનું, 

કંઈક અંદર રોજ સાજું રાખવાનું. 


આંખની આગળ જે ચાલે, ચાલવા દો, 

આંખની પાછળ બધું સંતાડવાનું.


છે બધા જાણે કે શું છે પામવાનું, 

કેટલાં સમજે છે શું છે ત્યાગવાનું?


અવયવોમાં સંપ રાખો કેટલો પણ, 

કોઈ ને કોઈ તો આડું ફાટવાનું.


જોતજોતાં એક દિ' ઊંધું થવાનું, 

દીકરો કહેશે મને, "સંભાળવાનું."


મોત ટાણે ના પથારીમાં રિબાવે, 

એટલું તું દે, પછી શું માગવાનું?


~ દેવાંગ પરીખ 'રસિક'


Saturday, September 18, 2021

કરે છે (ગઝલ)

એક ટૂંકી બહેરની ગઝલ ~


શ્રદ્ધા એવા કામ કરે છે, 

પત્થરને પણ રામ કરે છે. 


દીકરી જન્મીને બાપાના, 

બંજર દિલને બાગ કરે છે. 


આંખો એની કેરોસીન છે, 

તણખાને એ આગ કરે છે. 


ઈશ્વર ક્યાં છે મા થી મોટો, 

મા તો સઘળું માફ કરે છે. 


તારા મનમાં શું જોયું કે, 

મારું મન ઉત્પાત કરે છે.


ગંગામાં નાહીને લોકો, 

નવેસરથી પાપ કરે છે.


~ દેવાંગ પરીખ 'રસિક'



Saturday, September 11, 2021

અડફેટ


જિંદગી કેવી વિચિત્ર ભેટ છે, 

જાત સાથે રોજની અડફેટ છે. 


જે મળે એ જો સમયસર ના મળે, 

જેટલું પણ હો પછી, એ લેટ છે! 


શું નવું હું જઈને મંદિરમાં કહું? 

એની પાસે રોજનું અપડેટ છે. 


જિંદગી વીતી, કદી લાગ્યું નહીં, 

જિંદગી મારી હવે તો સેટ છે! 


અસ્ત એવો આપ કે દુનિયા કહે, 

કેટલો રળિયામણો સનસેટ છે!


~ દેવાંગ પરીખ 'રસિક'




Friday, August 27, 2021

जानता हमको


तू अपनी बात कर वाइज़, ख़ुदा की बात रहने दे,

ख़ुदा को जानते हैं हम, ख़ुदा है जानता हमको.


न है वो दोस्त न दुश्मन, न हमसे आशनाई है,

बुरा कहता है हमको क्यूँ, नहीं जो जानता हमको?


ज़रा-सी बात पे हमसे ज़माना रूठ जाता है,

हमेशा साथ रहता जो है सचमुच जानता हमको.


है ऐसा आईने में कौन जो हम पे यूँ हँसता है?

है कोई और जो हमसे भी बेहतर जानता हमको?


~ देवांग परीख 'रसिक'


[ वाइज़ = धर्म का उपदेशक, आशनाई = जान पहचान ] 

Friday, August 20, 2021

આગળ હજુ


આટલું આવ્યા, ને છૂટ્યું કેટલું પાછળ બધું, 

આટલું જીવ્યા, હવે છે કેટલું આગળ હજુ?


સ્કૂલથી છૂટ્યા, છતાં દફતર રહ્યું છે પીઠ પર, 

ભાર ઉંચકી ચાલવાનું કેટલું આગળ હજુ? 


દુખ, નિરાશા, અસફળતા, બેવફાઈ ને રુદન, 

છે કશું બાકી જે જોવાનું રહ્યું આગળ હજુ? 


જો અહીંથી જોઈએ, છે કેટલું પાસે ક્ષિતિજ, 

ને ક્ષિતિજ પહોંચીને જાણો, છે ઘણું આગળ હજુ. 


થાક લાગે ને હું બેસું છાંયડામાં જ્યાં 'રસિક', 

કોઈ અંદરથી કહે, 'ચાલો જરા આગળ હજુ.'


~ દેવાંગ પરીખ 'રસિક'


Friday, August 13, 2021

બાકી છે


અધૂરો હું, અધૂરી તું, અધૂરી રાત બાકી છે, 

અધૂરો જામ બાકી છે, અધૂરી વાત બાકી છે. 


દહકતું તનબદન મારું, વરસ તું વાદળી થઈને, 

અધૂરું જીવતર મારું, અધૂરી આગ બાકી છે. 


આ તારા શ્વાસની ફોરમ, ભરી લઉં શ્વાસમાં મારા, 

અધૂરું સ્ફૂરવું મારું, અધૂરો ફાગ બાકી છે. 


વગર વાંકે, વગર ચાહે, પડી'તી આપમેળે જે, 

હજુ તો છોડવાની એ અધૂરી ગાંઠ બાકી છે. 


હજુ તો રાસ બાકી છે, હજુ વનવાસ બાકી છે, 

અધૂરા કૃષ્ણ મારામાં, અધૂરા રામ બાકી છે.


અધૂરા કાફિયા મારા, અધૂરી કેફિયત મારી, 

અધૂરી છે ગઝલ મારી, અધૂરી દાદ બાકી છે.


~ દેવાંગ પરીખ 'રસિક'


Saturday, August 7, 2021

મસ્ત છું

કાં બધા માને છે કે હું ત્રસ્ત છું, હું ત્રસ્ત છું? 

હા હું થોડો વ્યસ્ત છું પણ મસ્ત છું, હું મસ્ત છું. 


ના જરા દેખાઉં તો, એવું નથી કે ધ્વસ્ત છું, 

દોસ્ત, બસ સૂરજની માફક અસ્ત છું, હું અસ્ત છું. 


કાં ડરું કે વ્યાધિ કોઈ બારણું ખખડાવશે? 

શું ફિકર જો મન કહે કે 'સ્વસ્થ છું, હું સ્વસ્થ છું.' 


દુઃખ વરસે ને તું માથે છાપરું કોઈ ધરે, 

એમ લાગે કે પ્રભુ હું ધન્ય છું! હું ધન્ય છું!


~ દેવાંગ પરીખ 'રસિક'

Friday, July 30, 2021

ફોટા


મા-બાપના ફોટા લગાડ્યા શીદને દિવાલ પર? 

જો જોઈને એકાદ આંસુ આવતું ન ગાલ પર! 


છે કેટલાં બેઘર અને તું પૉશ એવા ફ્લૅટમાં,  

શાને રડે રાખે છે બેસી દોસ્ત તારા હાલ પર! 


માન્યું કે તું ઈસુ નથી, હું બન ઈસુ કહેતો નથી,  

ચલ, કોઈના જીવનમાં સૅન્ટા ક્લૉઝ બન નાતાલ પર! 


અળગા થયા જ્યાં ભીડથી, ને સ્હેજ બદલી રાહ જ્યાં,  

વાંધો ઉઠાવે છે આ લોકો, કાં અમારી ચાલ પર! 


માણસ તો સમજ્યા કે કરે, પણ તું ખુદા થઈને કરે? 

કાં આટલો ભારી જુલમ લાચાર ને કંગાલ પર!


મંદિર જુઓ, મસ્જિદ જુઓ, લાગેલ છે તાળા બધે, 

લોકો રહ્યા છે કરગરી, સાહેબ છે હડતાલ પર! 


~ દેવાંગ પરીખ 'રસિક' 


Friday, July 16, 2021

હોય છે


જે ઘડીએ જે થવાનું હોય છે,

એ ઘડીએ એજ થાતું હોય છે.


સાફ સૂથરું ને ચકાચક જ્યાં જુઓ,

દાળમાં ત્યાં કંઈક કાળું હોય છે.


પિંજરાની બ્હાર આવો ને ઉડો,

જો ઉડો, આકાશ આખું હોય છે.


સ્વપ્નમાં તો આપણું લાગે બધું,

ક્યાં તમારું કે અમારું હોય છે?


ધ્યાન દઈને સાંભળો જો મૌનને,

કેટલું એમાં સમાયું હોય છે.


સૌની અંદર હોય એવો ઓરડો,

જ્યાં લટકતું એક તાળું હોય છે.


જાય એ વીતી પછી સમજાય છે,

બાળપણ કેવું મજાનું હોય છે. 


~ દેવાંગ પરીખ 'રસિક' 

Friday, July 9, 2021

ગમતું નથી

હું કહું કાં મંદિરે જાવું મને ગમતું નથી?

ફૂલ ફ્લાવર-વાઝમાં જોવું મને ગમતું નથી!


આપવું છે જેટલું એ આપમેળે આપશે, 

રોજ જોડી હાથ કરગરવું મને ગમતું નથી. 


છે મને મંજૂર જે પણ હાલમાં એ રાખશે, 

હાલ જે પણ હો પછી રોવું મને ગમતું નથી. 


સૌ પ્રથમ તો દુઃખનું કારણ મને જડતું નથી, 

ને વિના કારણ દુઃખી થાવું મને ગમતું નથી.


~ દેવાંગ પરીખ 'રસિક'

Friday, June 25, 2021

ગઝલ


માંડ જ્યાં સમજો ત્યાં પૂરી થાય છે,

જિંદગી કેવી ફટાફટ જાય છે. 


તુચ્છ લાગે પીડ બીજાની સદા, 

જાત પર વીતે પછી સમજાય છે. 


જો જુઓ ક્યારેક પ્રામાણિકપણે, 

આયનામાં એબ પણ દેખાય છે. 


દોષ જળ કે બાણ ને આપી, કહો, 

માછલીની આંખ ક્યાં વીંધાય છે? 


હુંજ નાયક, હુંજ નાટક, મંચ હું, 

ને સમાપન આંખ જ્યાં મીંયાય છે.


~ દેવાંગ પરીખ 'રસિક'

Saturday, June 12, 2021

ગઝલ


જિંદગીને કાં સમજવા જાય છે? 

જે વધુ સમજે, વધુ પસ્તાય છે. 


હું છલોછલ તોય ના છલકી શક્યો, 

કોઈ ખાલીખમ છતા છલકાય છે.


એ જગાએ સાથ છોડ્યો ધર્મનો, 

તર્કના મારગથી જ્યાં ફંટાય છે. 


ગામ આખાની ફિકર લઈ જે ફરે, 

અંત એનો ICU માં થાય છે. 


ટેરવાં જેને અડ્યા'તા ભૂલથી,

ઓઢણી એ ક્યાં હજી ભૂલાય છે?


પ્લીઝ ને સૉરી બધું તું છોડ ને, 

મિત્રતામાં દૂરતા વર્તાય છે. 


જો મળે મન, સાથ એનો ના મળે, 

ના મળે મન રોજ એ અથડાય છે. 


છે 'રસિક' જેવા જગતમાં કેટલાં, 

એક ગોતો સેંકડો ભટકાય છે.


~ દેવાંગ પરીખ 'રસિક'

( Please mention your name
 while posting your comments 
in the Comments section )

Saturday, May 15, 2021

ખોટી છે


ન હો આંખોમાં અશ્રુ તો અમારી પ્રીત ખોટી છે? 

વ્યથાને માપવાની આ તમારી રીત ખોટી છે. 


ત્યજીને કેમ બેઠા છો બધું જે માણવાનું છે? 

ખુદાને પામવાની આ તમારી રીત ખોટી છે. 


મગજમાં કાં ભરી રાખ્યું છે તદ્દન ફેંકવા જેવું? 

ભરીને રાખવાની આ તમારી રીત ખોટી છે. 


હો એનો વાંક, બાળકને તમે કંઈ તો સજા આપો, 

સજા ના આપવાની આ તમારી રીત ખોટી છે. 


નથી વાંધો જો ના પાડો, છે બસ એ વાતનો વાંધો, 

મને ના પાડવાની આ તમારી રીત ખોટી છે. 


અમે અળગા રહ્યા સૌથી તો આ દુનિયા કહે અમને, 

ન સાથે ચાલવાની આ તમારી રીત ખોટી છે. 


'રસિક' કંઈ તો કહો શાને તમારી આંખ ભીની છે, 

ન ઉત્તર આપવાની આ તમારી રીત ખોટી છે.


~ દેવાંગ પરીખ 'રસિક'


Saturday, April 3, 2021

પડછાયો


રામવાળો કે અલ્લાવાળો,

પડછાયો બંનેનો કાળો.


મંદિર મસ્જિદ જોઈ લાગે,

ઝાડ વિનાનો બાંધ્યો માળો.


હો ફુરસદ તો પૂછી લેજો,

શું ચાહે છે ઉપરવાળો.


લંકાને બાળો એ પ્હેલા,

અંદરના રાવણને બાળો.


મારી નાકામીમાં નીકળ્યો, 

સૌથી મોટો મારો ફાળો.


એક દિવસ તમને ડંખે જે, 

સર્પો કોઈના માટે પાળો.


કાલે જે થાશે એ થાશે,

આજે કાં જીવવાનું ટાળો?


કિસ્મતથી આશા જે રાખે,

એ કિસ્મતને આપે ગાળો.


સારા નરસા આવે દિવસો, 

શી રીતે બસ સારા ચાળો?


રોજ એક કીડો મનમાં બેઠો, 

અવળચંડો....! બાંધે જાળો.


દેખાશે ઈશ્વર કણ-કણમાં,

મનની આંખોથી જો ભાળો. 


આજે નૈ તો કાલે આવશે,

કે' દિ' સુધી મોતને ખાળો? 


કાં બનવું છે કોઈના જેવું? 

સ્વયંને સ્વયંમાં ઢાળો.

~ દેવાંગ પરીખ 'રસિક'