જરા લાઈનમાં આવો....
લાઈનમાં ઉભા રહો....
જનમથી મૃત્યુ સુધી,
માણસ સાથે જોડાયેલા આ શબ્દો....
અરે, મા ના ગર્ભમાં હો, ત્યારથી
ગાયનેકોલૉજીસ્ટ ને ત્યાં લાઈનમાં....
જનમ થાય એટલે ટીકા લગાવવા લાઈનમાં....
પહેલા પ્રી-સ્કૂલ, પછી સ્કૂલ,
પછી કોલેજ માટે લાઈનમાં....
કોલેજમાં ઘણાએ લાઈન મારી પણ હોય,
( ભલે એમને મળી ના હોય )....
નોકરીના ઇન્ટરવ્યૂ માટે લાઈનમાં,
ને પછી છોકરીના ઇન્ટરવ્યૂ માટે પણ લાઈનમાં....
બૅન્કમાંથી પૈસા કાઢવા લાઈનમાં,
ને બૅન્કમાં પૈસા ભરવા પણ લાઈનમાં....
હર એક વીક-એન્ડ પર હોટેલની લાઈનમાં....
મંદિરમાં ઈશ્વરને મળીને,
ઈચ્છાઓનું લિસ્ટ આપવા માટે પણ લાઈનમાં....
સરકારી કચેરીઓમાં ( ઘૂસ આપીને પણ ) લાઈનમાં....
ગરીબ માણસ તો જોવા મળે
પાણી થી માંડીને રેશન ની લાઈનમાં,
ને બસ થી માંડીને સંડાસ ની લાઈનમાં....
હજુ થોડા સમય પહેલા તો આપણે
દારૂ માટે પણ ઉભા છીએ લાઈનમાં....
અંતે પડદો પડે ત્યારે સ્મશાનમાં પણ લાઈનમાં....
( જો કે, એ તો આપણા સગા-વહાલા જ ઉભા રહેશે )
પછી ઉપર જઈને,
એને હિસાબ આપવા માટે પણ લાઈનમાં....
આવી જ થોડી લાઈન ની વાત કરી છે અહીં....
આજે જે ઉભા છે શિકાયતની લાઈનમાં,
કાલે દેખાતા'તા મોહબ્બતની લાઈનમાં.
ગાડી, બંગલા, બૅન્કમાં હો લાખોની એફ.ડી.,
લોકો મળશે એવા અનામતની લાઈનમાં.
બસમાં ફૂટતા પહેલા એ બોમ્બએ એવું પુછ્યું,
બોલો કોણ આવે છે શહાદતની લાઈનમાં?
જો મહેનતની લાઈન જુઓ તો સાવ ખાલીખમ,
મળશે ધક્કામુક્કી કરામતની લાઈનમાં.
હો બાંધેલા પાટા શહેરમાં સૌએ આંખે,
તો કોણ ઊભું રહેશે શરાફતની લાઈનમાં?
ખંખેરો ખીસ્સાને તો જ થાય સન્મુખ દર્શન,
છે જોયા ભેદભાવ પણ ઈબાદતની લાઈનમાં.
ફૂલો કરતા કાંટા વધારે જોયા છે મેં,
ચાલજો સંભાળીને નજાકતની લાઈનમાં.
~ દેવાંગ પરીખ 'રસિક'