સવાર સવારમાં,
ચાનો કપ હાથમાં લેતા જ,
એક બકરી બોલી: મેં એ એ એ....
મેં WhatsApp ખોલ્યું તો ખબર પડી,
બીજી એક બકરીનો બર્થડે છે.
હજુ તો માંડ એક અવાજ બંદ થયો,
ત્યાં અચાનક ત્રીજી બોલી: મેં એ એ એ....
હવે આ પાછું નવું શું?
ઓહ, એક ચોથા બકરા-બકરીની એનિવર્સરી છે.
પછી તો ધનાધન,
પાંચમી થી વીસમી બકરીઓ એક સાથે,
એક જ સૂરમાં બોલી: મેં એ એ એ....
કોઈ પેલી બીજી બકરીને વિશ કરવા,
તો કોઈ પેલા ચોથા બકરા-યુગલને વિશ કરવા.
પછી 2 મિનિટ સુધી કોઈ જ અવાજ નહીં,
એટલે મને લાગ્યું, ચાલો પત્યું.
ત્યાં અચાનક એકવીસમી બોલી:
મેં એ એ એ....
મેં એ એ એ....
મેં એ એ એ....
મેં એ એ એ....
અરે, આ કેમ ચાર ચાર વાર?
પછી જે જોયું,
એ જોઈને હું તો ધન્ય થઈ ગયો,
સાક્ષાત શ્રી રામ, શ્રી કૃષ્ણ, શિવજી ને માતાજી,
બધાં મંદિરો છોડીને, WhatsApp માં ફરે છે,
એ પણ સવાર સવારમાં,
બિચારા, ફુલ ફોર્મલ ડ્રેસમાં.
હજુ તો હું ચાનો કપ,
સાઈડ પર મૂકું,
ને બે હાથ જોડીને વંદન કરું,
એ પેહલા તો: મેં એ એ એ....
સમજી ગયા ને તમે, આ બાવીસમી બોલી,
શું બોલી?
'સોશિયલ મીડિયાની બાળાકો પર થતી આડઅસર'
વાહ રે દુનિયા!
સોશિયલ મીડિયા પર જ,
સોશિયલ મીડિયા ને ગાળો,
હવે ચીતરીએ એને કાળો કાળો,
રોગચાળાનો ઈલાજ, રોગચાળો,
વૃક્ષ વગર ચાલો, બંધીએ માળો!
મારા આવા
ધડ-માથા વગરના વિચારોમાં પડ્યું ખલલ,
ને ત્રેવીસમી બકરી બોલી: મેં એ એ એ....
ઓહ, સોરી,
આ તો શ્રીમતીજી નો અવાજ,
રસોડામાંથી:
'હવે કહું છું, જરા સાંભળો છો?
આજે પાછી કામવાળી આવવાની નથી,
ને મારે હાથે કામ છે,
જો તમારો ચા-નાસ્તો પત્યો હોય,
અને WhatsApp પર,
બકરીઓ ચરાવાઈ ગઈ હોય,
તો આ geyser ચાલુ છે,
હવે ઝટ નહાવાનું પતાવો,
એટલે હુંય નવરી થાઉં.'
ને પછી હું ઉઠયો,
અને ટુવાલ લઈને મેં પ્રસ્થાન કર્યું,
બાથરૂમ તરફ,
આજ્ઞાનું પાલન કરવા,
મારી વ્હાલી ત્રેવીસમી બકરીનું....
~ દેવાંગ પરીખ' રસિક'