Friday, July 31, 2020

અવાક્


દર્દ સૈની આંખોમાં ક્યાંક ક્યાંક છે, 

જગથી તો કોઈ જાતથી અવાક્ છે. 


તું જેને સમજે છે ગઈકાલનો, 

એ તો મારી આવતીકાલનો થાક છે. 


મર્યા વગર જવું છે સ્વર્ગમાં,

એથી મોટી ક્યાં કોઈ મજાક છે?


ચલો ઊઠો, જાગો, ભાગો હવે, 

સમય રોજ આપે મને રણહાક છે. 


રોજ મળે અહીં નવા કાર્ટૂનો, 

ના હસો તમે તો કોનો વાંક છે? 


તું જ કોરું પાનું લઈને આવજે, 

પાના ઉપર મારા તો છેકછાક છે. 


વર્ગમાં આવે ને સૌ થરથરે, 

હવે ક્યાં ટીચરની એવી ધાક છે? 


~ દેવાંગ પરીખ 'રસિક'

Friday, July 17, 2020

તો શું કરું?


આકાશમાં જ્યારે વાદળો ઘેરાય, તો શું કરું? 

પાંપણો જ્યારે આંસુઓથી ભરાય, તો શું કરું? 


યાદ છે, તે આપ્યા છે તારા સમ, પણ તું જ કહે, 

વેદના જ્યારે અસહ્ય બની જાય, તો શું કરું? 


આંખો જ્વાળામુખી ની જેમ સળગે રાખે પછી, 

જીગરમાં જ્યારે લાવારસ ઠલવાય, તો શું કરું? 


કોયલનો ટહુકો હૈયું વીંધી સોંસરો જાય, 

જો તને મારો ચિત્કાર ના સંભળાય, તો શું કરું? 


સુખ જાણે છે મારા ઘરનું સરનામું તો પણ, 

જો મારાથી જ દ્વાર ના ઉઘાડાય, તો શું કરું? 


~ દેવાંગ પરીખ 'રસિક'

Saturday, July 11, 2020

જોઈએ


ક્યાં કશું વધારે, મુખ્તસર જોઈએ, 

જીવન જીવવા એક હમસફર જોઈએ. 


પગ તો પછી આપોઆપ ચાલ્યા આવશે,

મનને મારા મન ચાહી ડગર જોઈએ. 


હું આંખ ઉઠાવીશ અને મળાવીશ પણ, 

આપે સુકૂન એવી એક નજર જોઈએ. 


કમાઓ તમે જેટલું, એટલું ઓછું પડે, 

ખર્ચામાં પણ થોડી કરકસર જોઈએ. 


નામ એનું રટતા રહેવાથી કંઈ ન થાય, 

દુઆઓમાં પણ થોડી અસર જોઈએ. 


~ દેવાંગ પરીખ 'રસિક'

Friday, July 3, 2020

સારું લાગે


તમે ઝુલ્ફ વિખેરો, તો સારું લાગે, 

દિવસ ને રાત કરો, તો સારું લાગે. 


તમે ઘરમાં રહો, તો રાત અમાવસ, 

ને બહાર નીકળો, અજવાળું લાગે. 


તમારું મલકવું, તો ઝરમર વરસાદ,

મન મૂકીને વરસો, ચોમાસુંં લાગે. 


ઓચિંતું બધું, મને ન્યારું લાગે, 

ક્યાં મન મારું, મને મારું લાગે?


હું પોતે જ મારો, ના રહું અને, 

કોઈ અજાણ્યું, પોતાનું લાગે. 


~ દેવાંગ પરીખ 'રસિક'