નિરંજન નરહરિભાઈ ભગત ~
એટલે,
ગુજરાતી કવિતા જગતનું એક પ્રચંડ નામ.
એમણે રચેલા નગરજીવનનાં કાવ્યો,
એમનું સૌથી અમૂલ્ય પ્રદાન છે.
અંગ્રેજીમાં M. A. કરી,
છત્રીસ વરસ અંગ્રેજીના અધ્યાપક રહ્યા.
બહુ ઓછા લોકો જાણતા હશે,
કે એમણે ૧૦૦ થી વધારે,
અંગ્રેજી કવિતાઓ પણ લખી છે.
આજે, ૧ ફેબ્રુઆરી ૨૦૨૦,
એટલે એમની બીજી પુણ્યતિથિ.
એમની એક યાદગાર કવિતા,
મેં સ્કૂલના અભ્યાસક્રમમાં ભણી હતી.
મુંબઈનું આટલું સચોટ વર્ણન,
એ પણ એમની આગવી શૈલીમાં,
એટલે તમારાથી,
એક 'વાહ' તો નીકળી જ જાય :
_______________
ચલ મન મુંબઈ નગરી,
જોવા પૂચ્છ વિનાની મગરી!
જ્યાં માનવ સૌ ચિત્રો જેવા,
વગર પીછાને મિત્રો જેવા;
નહીં પેટી નહીં બીસ્ત્રો લેવા,
આ તીરથની જાત્રા છે ના અઘરી!
સીમેંટ, કોંક્રીટ, કાચ, શિલા,
તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ, ખીલા;
ઈન્દ્રજાલની ભૂલાવે લીલા,
એવી આ સૌ સ્વર્ગતણી સામગ્રી!
રસ્તે રસ્તે ઉગે ઘાસ,
ને પરવાળા બાંધે વાસ;
તે પહેલા જોવાની આશ,
હોય તને તો કાળ રહ્યો છે કગરી!
ચલ મન મુંબઈ નગરી,
જોવા પૂચ્છ વિનાની મગરી!
____________________
એમને યાદ કરીને,
મુંબઈ વિશે એક નાનકડી કવિતા :
શું તમે મુંબઈના વરસાદમાં ભીંજાયા છો?
શું તમે લોકલ ટ્રેનની ભીડમાં ભીંસાયા છો?
શું તમે વડાપાવના સ્વાદમાં ખોવાયા છો?
શું અહીં સમયની ચકકીમાં પિસાયા છો?
છે તમે ચારે ચીજ જાણી, તો કહો જાણી છે,
અને તો જ ખરેખર મુંબઈને તમે માણી છે,
છે જાણી-માણી તમે, તો થયા ચારે ધામ,
અને જીવન પણ તમારું એક ઉજાણી છે
~ દેવાંગ પરીખ 'રસિક'