ચાલ, વાદળોમાં ફરી આવીએ,
જરા અપ્સરાઓને મળી આવીએ
આજે લસરપટ્ટી ખાઈએ એ રીતે,
મેઘધનુષ પરથી લસરી આવીએ
છેક અંતરથી ભીંજાવું છે આજે,
ચાલ, ઝાકળમાં પલળી આવીએ
સ્મૃતિના સાગરમાં ડૂબકી મારીને,
માછલીની આંખમાં તરી આવીએ
એટલી નજાકતથી કે ફૂટે નહીં,
પાણીના પરપોટાને અડી આવીએ
વૃંદાવનમાં કૃષ્ણ ભલે ના મળે,
એની અનુભૂતિ તો કરી આવીએ
સાવ નામશેષ થાય એ પહેલા,
કોયલનો ટહુકો સાંભળી આવીએ
~ દેવાંગ પરીખ 'રસિક'
વાહ રસિક વાહ
ReplyDelete