માનો કે તમને કોઈ આવીને કહે,
કે.... એણે સૂંઢ વગરનો હાથી જોયો,
કે.... મુંબઈમાં કાશ્મીર જેટલો બરફ પડ્યો,
કે.... એની ઘરે સલમાન ખાન જમવા આવ્યો,
કે.... એને સરકાર તરફથી ભારત રત્ન મળ્યો,
શું તમે માનો?
ના માનો!
તમે સમજી જાઓ કે એ ડંફાસ મારે છે,
લાંબી લાંબી ફેંકે છે....
પણ આનાથી પણ હજાર ઘણું કોઈ ફેંકે,
ને પાછા તમે ખુશી ખુશી,
સાંભળો, જુઓ, માનો ને માણો,
એ પણ પોતાના પૈસા ખર્ચીને,
એવું તો માત્ર એકજ કેસમાં બને....
તમે વાંચો, એટલે સમજાઈ જશે....
ડિયર, સારી ફિલ્મ લાગી છે, જોવા ચલો,
પૉપકોર્ન ને સમોસા ખાઈશું, ચલો, ચલો....
ચલો દિલદાર ચલો, ને ચાંદ ને પાર ચલો,
ચંદ્રયાનમાં રિટર્ન આવીશું, ચલો, ચલો....
હિંદી ફિલ્મોમાં તો આવું બધું ચાલે રાખે,
આપણે પણ ચલાવી લઈશું, ચલો, ચલો....
તમે દુનિયાને બાળી નાખશો પ્રેમને પામવા,
આપણે રોકડા બાળી નાખીશું, ચલો, ચલો....
તમારા માટે સિતારોમાં વસેલું કોઈ આવશે,
એવા બધા ગપ્પા માની લઈશું, ચલો, ચલો....
ભેજું તો ઘરે જ મૂકીને ત્યાં જવાનું છે તો,
બધું ફેંકંફેક ચલાવી લઈશું, ચલો, ચલો....
તમે વીસમા માળેથી મારો ભૂસકો ત્યારે,
અમે શ્વાસ અદ્ધર કરી લઈશું, ચલો, ચલો....
વિલનને એક ગોળી વાગશે ને મરી જશે પણ,
હીરોને દસથી બચાવી લઈશું, ચલો ચલો....
તમે શીલાની જવાની બતાવતા હોવ ત્યારે,
બાળકોને આંખ મીંચાવી દઈશું, ચલો, ચલો....
કોલેજમાં તો જવાનું હોય રોમાન્સ કરવા,
બાળકોને સમજાવી દઈશું, ચલો, ચલો....
તમારા બાપા, દાદા, પરદાદા ને વસાવ્યા છે,
તમને પણ દિલમાં વસાવી લઈશું, ચલો ચલો....
~ દેવાંગ પરીખ 'રસિક'